મુખ્યમંત્રી વિજયરૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા સાથે પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એનર્જીનો વ્યાપ વિસ્તારવા CNG વાહનચાલકોને સરળતાથી CNG ઉપલબ્ધિ થાય તે માટે નવતર પહેલ કરી છે. આ સંદર્ભમાં રાજ્યમાં CNG સહભાગી યોજનાના બીજા તબક્કાના ભાગરુપે ૧૬૪ CNG ફિલીંગ સ્ટેશન્સના લેટર ઓફ ઇન્ટેન્ટ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સીએમ રુપાણીએ અર્પણ કર્યા હતા.
રાજ્ય સરકારના સાહસ ગુજરાત ગેસ કંપની દ્વારા આયોજિત આ ઇ-વિતરણ સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં પર્યાવરણ શુદ્ધતા જળવાઇ રહે અને પ્રદૂષણ નિયંત્રણ સાથે વિકાસની ગતિ પણ જારી રહે તેવો રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે. આ હેતુસર રાજ્યમાં CNG અને PNGનો વધુ ઉપયોગ થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યુ છે. ગુજરાતે CNG વાહનોનો વધુ ઉપયોગ થાય અને પ્રદૂષણ અટકે તે માટે પેટ્રોલ-ડિઝલના ઇંધણ વિકલ્પરૂપે CNGને પ્રોત્સાહન આપવાની પહેલ કરીને રાજ્યમાં CNG સ્ટેશનોનો વ્યાપ વિસ્તાર્યો છે. મહત્વનું છે કે સમગ્ર દેશમાં 2300 સીએનજી ફિલીંગ સ્ટેશન્સ સામે એકલા ગુજરાતમાં 690 એટલે કે કુલ સીએનજી સ્ટેશનના 30 ટકા સીએનજી સ્ટેશન્સ છે. મુખ્યમંત્રી રુપાણીએ આગામી દિવસોમાં રાજ્યભરમાં 900 સીએનજી સ્ટેશન્સ કાર્યરત કરવાનો લક્ષ્યાંક તબક્કાવાર પાર પાડવાની પણ નેમ વ્યક્ત કરી હતી.