ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ અને ભાજપને સત્તાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડવામાં જેમણે પાયાની ભૂમિકા ભજવી એવા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થયું છે. કેશુભાઇ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કાર્ડિયાક અરેસ્ટને કારણે કેશુભાઇનું નિધન થયું હતુ.
ભાજપાના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનને લઈ ગુજરાત ભાજપમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત ગુજરાતના રાજકારણીઓએ કેશુભાઈ પટેલના નિધનને પગલે શોક વ્યક્ત કર્યો છે. ત્યારે ગુજરાત ભાજપે મહત્વનો નિર્ણય લેતા પેટાચૂંટણી સંબંધિત ગુરવારની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચારકાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધારી ખાતે સભા સંબોધી રહ્યા હતા, ત્યારે પૂર્વ સીએમના નિધનનાં સમાચાર મળતાં જ સભાને રદ્દ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ધારીથી સીએમ રૂપાણી કેશુભાઈ પટેલનાં ગાંધીનગર ખાતેનાં નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી.