ભારતમાં દસ્તક દઈ ચૂકેલા નવા વાયરસનું નામ છે H5N1. બર્ડ ફ્લૂથી ઓળખાતો આ વાયરસ 2006થી દેખાવા લાગ્યો હતો. પરંતુ આ શિયાળામાં દેશનાં 7 રાજ્યોમાં સંકટ બનીને ઊભરી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં વિવિધ રાજ્યોમાં 5 લાખ જેટલાં પક્ષીઓનાં આ વાયરસથી મૃત્યુ થઈ ચૂક્યાં છે.
ગુજરાતમાં પણ 53 પક્ષીઓના મૃત્યુ થયાં છે. જો કે તેમનામાં બર્ડ ફલૂ નાં લક્ષણોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. રાજ્યના પશુપાલન વિભાગના મંત્રીએ પણ ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી તેવુ નિવેદન આપ્યુ છે. પરંતુ દેશમાં વધતા જતા બર્ડ ફ્લૂના કેસ પર નજર રાખવા કેન્દ્ર સરકારે દિલ્હીમાં કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ કંટ્રોલ રૂમ રાજ્યોના કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેશે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તાપી જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે.
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં છેલ્લા 20 દિવસમાં 2 હજાર મરઘાના મોત થયા છે. જોકે, આ મરઘાઓમાં પણ બર્ડ ફ્લૂના કોઈ લક્ષણો મળ્યા નથી, જે રાહતના સમાચાર છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 20 દિવસમાં 2 હજાર મરઘાના મોત થયા છે. જોકે, આ મરઘાના મોત કોઈ પોલટ્રી ફાર્મમાં નથી થતા. લોકો દ્વારા ઘરે ઘરે ઉછેર કરાતા દેશી મરઘાના મોત થયા છે. મરઘાના મોત થતા પશુપાલન વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, હાલ સરવેમાં કોઈ પણ પ્રકારના ગંભીર લક્ષણ કે બિમારી મરઘામાં મળી આવી નથી.