રાષ્ટ્રીય પક્ષોના સ્ટાર પ્રચારકો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે.બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શાંતિભર્યા માહોલમાં મતદારોને સરળતા રહે તે પ્રકારે ચૂંટણી યોજાઇ તે માટે સતત પ્રયાસરત બન્યું છે. આ ઉપરાંત પોલીસ સહિત ચૂંટણી પંચના નિર્દેશથી ગોઠવાયેલ વિશિષ્ટ ટીમો દ્વારા જિલ્લામાં રોકડ સહિતની ગેરકાયદે અવરજવર ન થાય તે માટે નિયત ચેકીંગ પોઇન્ટ પર રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહી છે. જિલ્લાના સાત મતદાર વિભાગોમાં ઉભા કરાયેલ કુલ 1810 મતદાન મથકો પૈકી 465 શહેરી વિસ્તારમાં અને 1345 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. તમામ મતદાન મથકોની સ્થળ તપાસ, નિયમોનુસારની સુવિધા સહિતની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.
આ મતદાન મથકે 25થી 30 વર્ષના અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. યુવા મતદારોને મતદાન પ્રક્રિયાનો વિશિષ્ટ અનુભવ આપવા માટે ચૂંટણી પંચ દ્વારા દરેક જિલ્લામાં 1-1 યુવા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવનાર છે. જેમાં 25 થી 30વર્ષની વયના અધિકારીઓ-કર્મચારીઓ મતદાન મથક ઉપર ફરજ બજાવશે. આણંદ જિલ્લામાં અંદાજીત 33,516 નવા મતદારો મતદાન કરવાના છે. નવા ઉમેરાયેલા યુવા મતદારોને મતદાન અને ચૂંટણી પ્રક્રિયા તરફ આકર્ષવા માટે જિલ્લાની સાત પૈકીની આણંદ બેઠકમાં આવેલ એમ.બી.પટેલ કોલેજ ખાતે યુવા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવશે.
આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકોના કુલ 1810 મતદાન મથકોએ ચૂંટણી પ્રક્રિયા માટેની જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે. જોકે આ પૈકીના 907 મતદાન મથકોએ લાઇવ મોનીટરીંગ કેમેરા લગાવાયા છે અને વેબકાસ્ટીંગની મદદથી કલેકટર કચેરી ખાતેના કંટ્રોલરૂમમાં બેઠાં બેઠાં ચૂંટણી પ્રક્રિયાનું સતત મોનીટરીંગ કરવામાં આવશે. આણંદ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ 151 મતદાન બુથોનું લાઇવ મોનીટરીંગ કરવામાં આવશે.