વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારતીય ટીમે 10 વિકેટે ધમાકેદાર વિજય મેળવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝના ત્રીજા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ વિકેટે વિજય મેળવી સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. આ જીત સાથે ભારતીય ટીમની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો માર્ગ મોકળો થઈ ગયો છે.
અક્ષર પટેલ (5 વિકેટ) અને રવિચંદ્રન અશ્વિન (4 વિકેટ)ના તરખાટની મદદથી અમદાવાદમાં રમાય રહેલી ડે-નાઇટ ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતને જીતવા માટે 49 રન બનાવવાના હતા. જે ભારતે 7.4 ઓવરમાં વિના વિકેટે બનાવી લીધા હતા. રોહિત શર્માએ 25 અને શુભમન ગિલે 15 રન બનાવ્યા હતા. અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ ફક્ત બે દિવસમાં જ ખતમ થઈ ગઈ છે. આ જીત સાથે ભારતે ચાર ટેસ્ટની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદમાં રમાશે.
ભારતને 145 રનમાં ઓલઆઉટ કર્યા બાદ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર અક્ષર પટેલે ઝટકો આપ્યો હતો. ઝેક ક્રાઉલી (0) રન બનાવી બોલ્ડ થયો હતો. ત્યારબાદ અક્ષરે જોની બેયરસ્ટો (0)ને બોલ્ડ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. ડોમ સિબલી (7)ને આઉટ કરી અક્ષરે ત્રીજી સફળતા મેળવી હતી.
ઈંગ્લેન્ડની ટીમે 19 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ જો રૂટ અને સ્ટોક્સે ટીમનો સ્કોર 50 રન પર પહોંચાડ્યો હતો. બેન સ્ટોક્સ (25)ને અશ્વિને આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિને 11મી વખત સ્ટોક્સને આઉટ કર્યો છે. ત્યારબાદ જો રૂટ (19)ને અક્ષરે LBW આઉટ કરી ઈંગ્લેન્ડને પાંચમો ઝટકો આપ્યો હતો. ઓલી પોપ (12)ને અશ્વિને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ જોફ્રા આર્ચરને અશ્વિને LBW આઉટ કર્યો હતો. જેક લીચ 9 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. અંતમાં જેમ્સ એન્ડરસનને સુંદરે આઉટ કરી ઈંગ્લેન્ડની ઈનિંગનો અંત કર્યો હતો. મહત્વનું છે કે, લોકલ બોય અક્ષર પટેલે ઘરઆંગણે દમદાર પ્રદર્શન કર્યું છે. તેણે 15 ઓવરમાં 32 રન આપી 5 વિકેટ ઝડપી હતી. આ સાથે અક્ષરે મેચમાં કુલ 11 વિકેટ ઝડપી છે. પ્રથમ ઈનિંગમાં પણ તેને છ સફળતા મળી હતી.