22 ડિસેમ્બર મંગળવારે વિશ્વ વંદનીય સંત બ્રહ્મસ્વરુપ પ્રમુખસ્વામી મહારાજની 99મી જન્મજ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. જોકે કોરોના મહામારીના કારણે બીએપીએસ સંસ્થા દ્વારા આ જન્મજયંતિની ઉજવણી વર્ચ્યુઅલ સભા દ્વારા કરવામાં આવી હતી. જેનો લાભ માત્ર ગુજરાતના જ હરિભક્તોએ નહીં પણ ભારત તેમજ વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ લીધો હતો.
મળતી માહિતી મુજબ, આજે બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજની 99મી જન્મ જયંતિની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેશ-વિદેશના લાખો હરિભકતો જોડાઇને ભાવવિભોર બન્યા હતા.
કોરોના મહામારીને કારણે એક વિશિષ્ટ વર્ચ્યુઅલ અનુભૂતિ દ્વારા રાત્રે 7-30 થી 10-30 સુધી જન્મજયંતિ નિમિત્તે વિશિષ્ટ સત્સંગ સભા ઓનલાઇન ઉજવવામાં આવી હતી. જેમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન કથનની અદભૂત પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી ઉપરાંત વડીલ સંતોના પ્રવચન, ભજન-કિર્તન, વીડિયો દર્શન તેમજ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર મહંત સ્વામીના આશીવર્ચનનો પણ લાભ આ જન્મજયંતિની સભામાં ભક્તોને પ્રાપ્ત થયો હતો.
અમદાવાદના સાબરમતી વિસ્તારના બાળ કાર્યકરોએ પોતાના પ્રાણ પ્યારા પ્રમુખસ્વામીની જન્મજયંતિની આ સભાને પણ સમૈયા જેવી બનાવી દીધી હતી.
કાર્યકરોએ મોટા પડદા પર આ સત્સંગ સભાનો લાભ લીધો હતો જેમાં સભાના અંતમાં તેમણે કેક કાપીને ઉજવણી કરી હતી તેમજ પ્રસાદની પણ વ્યવસ્થા કરી હતી.
તો મોટી સંખ્યામાં હરિભક્તોએ સહ પરિવાર સાથે પોતાના ઘરે રહી આ વર્ચ્યુઅલ જન્મજયંતિ સભાનો લાભ લીધો હતો.
સમગ્ર વિશ્વમાં પોતાની સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડનાર પ્રમુખસ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પ્રમુખ સ્વામી મહારાજે 1020થી વધુ મંદિરોનું નિર્માણ કરી સંસ્કૃતિની ધર્મધજા સમગ્ર વિશ્વમાં લહેરાવી તેમજ 1000થી વધુ સૂરચિત અને સુશિક્ષિત સંતોને દીક્ષિત કરી સનાતન સંત પરંપરાને નવજીવન બક્ષ્યું હતું.
મહત્વનું છે કે, પ્રમુખ સ્વામીએ મોટી સંખ્યામાં લોકોને માંસાહાર , વ્યભિચાર , વ્યસન જેવા દૂષણોથી મુકત કરાવ્યા છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા ગોપાલભાઇ સુથાર કે જેઓ ઓએનજીસીમાં સારા હોદ્દા પર નોકરી પર કાર્યરત છે .
જેમણે અમારી ન્યુઝવેબસાઈટ સાથે વાત કરતા જણાવ્યું કે, તેઓ પોતે 2007 પહેલા તમામ પ્રકારના વ્યસનોમાં સંડોવાયેલા હતા તેમજ માંસાહાર પણ કરતા હતા. જોકે 2007માં તેમને પ્રમુખસ્વામીનો યોગ થયા બાદ તેમના આ તમામ દૂષણો દૂર થયા. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રમુખસ્વામીના આશીર્વાદથી તેઓ અન્ય લોકોને પણ વ્યસન મુકિત કરવા પ્રેરણા આપે છે અને તેમણે અનેક લોકોને વ્યસન મુક્ત કરાવ્યા છે. આમ, પ્રમુખસ્વામીની દ્રષ્ટી થઇ હોય અને જીવન બદલાયું હોય તેવા અનેક કિસ્સાઓ છે જે અમે આ લેખમાં નથી લખી શકયા .