કોરોનાને લીધે પ્રાથમિક અને ધો.9થી 12ની સ્કૂલો હજુ પણ શરૂ થઈ શકી નથી અને કયારે શરૂ થશે તે નક્કી નથી ત્યારે માસ પ્રમોશનની ઉઠેલી માંગ વચ્ચે શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી છે. શિક્ષણ મંત્રીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, સ્કૂલોમાં માસ પ્રમોશનની સરકારની કોઈ જ વિચારણા નથી.
આમ હાલ પુરતુ શાળાઓમાં બાળકોને માસ પ્રમોશનના અટકળો પર પૂર્ણવિરામ મુકાયું હોવાનું જોવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, કોરોનાવાયરસની સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્ર પર જોવા મળી રહી છે. કોરોનાના કારણે શાળા-કોલેજમાં હાલ અભ્યાસ બંધ છે અને માત્ર ઓનલાઇન અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. ત્યારે શાળાઓ શરુ ન થતા માસ પ્રમોશનની ચર્ચાઓ તેજ જોવા મળી રહી છે.
જો કે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માસ પ્રમોશન મામલે સ્પષ્ટતા કરી છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે માસ પ્રમોશનના વહેતા થયેલા સમાચાર પાયા વિહોણા છે. સરકારની આવી કોઈ જ વિચારણા નથી. હાલ સ્કૂલોમાં બાળકોનો ઓનલાઈન અભ્યાસ સારી રીતે ચાલી રહ્યો છે.. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે સ્કૂલોમાં હાલ ઓનલાઇન અભ્યાસક્રમ ચાલી રહ્યાં છે. ત્યારે વર્ષના અંતે ફાઇનલ પરીક્ષા લેવામાં આવશે.