ગુજરાત એસ.ટીના ફિક્સ પગારદારોને પગારમાં વધારો કરવા અંગે સરકારને રજૂઆતો કરવામાં આવી રહી હતી. છેલ્લા ઘણા સમયથી એસ.ટી. યુનિયન દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ રજૂઆતો થઈ રહી હતી, ત્યારે સરકારે એસ.ટી.ના ફિક્સ પગારદારોના પગારમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના એસ.ટી. વિભાગના (GSRTC) ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓના પગાર વધારા મુદ્દે ઘણા સમયથી સરકારને એસ.ટી. યીનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી, ત્યારે ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતાં કહ્યું કે, વાર-તહેવાર ભૂલીને ગુજરાતના 25 લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસ.ટી. વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) એસ.ટી. યુનિયન સાથે બેઠક કરીને પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી. અંતે એસ.ટી.ના ફિક્સ પગાર ધરાવતા એસ.ટી. કર્મચારીઓના પગારમાં 30 ટકા સુધી વધારાની જાહેરાત કરતાં કર્મચારીઓમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી.