આમ આદમી પાર્ટી (AAP)એ હવે ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગોપાલ ઈટાલિયાને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ જ વિધાનસભા સંકુલમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ ફેંક્યું હતું અને ત્યારબાદથી તેઓ ચર્ચામાં આવ્યા હતા.
આપના પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઈને હટાવી પાટીદાર આંદોલનના યુવા ચહેરા ગોપાલ ઈટાલિયાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત મીડિયા સંયોજક તરીકે તુલી બેનર્જીની નિમણૂંક કરવામાં આવી છે.
(તુલી બેનર્જી, મીડિયા સંયોજક – AAP, ગુજરાત )
તો પાર્ટી પ્રવક્તા તરીકે નિકીતા રાવલનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. નિકીતા રાવલ એક કથ્થક નૃત્યાંગના હોવાની સાથે સાથે તેણે બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં અભિનેત્રી તરીકે પણ કામ કર્યુ છે.
(નિકીતા રાવલ, પાર્ટી પ્રવક્તા – AAP, ગુજરાત )
મળતી માહિતી મુજબ, ગોપાલ ઈટાલિયાની નિમણૂંકથી આમ આદમી પાર્ટીએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ યુવા ચહેરાઓને વધુ તક આપવા માંગે છે. ત્યારે ગુજરાતમાં પાર્ટીએ પાટીદાર યુવા ચહેરાને પ્રદેશનું સુકાન સોંપ્યું છે. આ સાથે સમગ્ર રાજ્યમાં જિલ્લા પ્રમુખોની પણ નિમણૂંકો કરી છે.
કોરોનાકાળ વચ્ચે આમ આદમી પાર્ટી સક્રિય થઇ છે. ત્યારે પ્રદેશ પ્રભારી અને ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે ગુજરાત સંગઠનની સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, આપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે . આગામી દિવસોમાં તબક્કાવાર બેઠકો યોજી ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. મહત્વનું છે કે, વર્ષ 2021ના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દિલ્હી મોડલનો પ્રચાર કરવામાં આવશે.