રાજ્યભરમાં નવરાત્રિને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાકાળમાં ગરબાની મંજૂરી તો આપવામાં આવી નથી પરંતુ માં અંબાની ભક્તિ માટે સરકાર દ્વારા મંદિરો ખોલવામાં આવ્યા છે અને આરતી-પૂજા અર્ચના કરવા માટે પરવાનગી અપાઈ છે તો ભક્તોને મંદિરમાં દર્શન માટે છૂટ આપવામાં આવી છે. ત્યારે નવરાત્રીમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.
અંબાજી મંદિર એ ગુજરાત નુજ નહિ પણ વિશ્વનું શક્તિપીઠ તરીકે ઓળખાય છે અને આ શક્તિપીઠ સાથે લાખો માંઈ ભકતોની આસ્થા સંકળાયેલી છે. ત્યારે અંબાજી મંદિર દર્શનાર્થી માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. હાલ નવરાત્રીમાં અંબાજી મંદિરે નવરાત્રીના સમયમાં યાત્રિકોનો ધસારો વધારે પ્રમાણમાં રહેતો હોવાથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી ખાતે આવતા માં અંબેનાં ભક્તોની સુખાકારી અને સલામતી માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ દ્વારા ૧૯/૧૦/૨૦૨૦ થી અંબાજી મંદિર દર્શનના સમયમાં ફેરફાર કર્યો છે. જે મુજબ અંબાજી મંદિરે દર્શનાર્થીઓ માટે હવેથી નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને દર્શનાર્થીઓ શાંતિથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.