કોરોના મહામારી સામે લડવા માટે ભારત, અમેરિકા, ચીન સહિતના કેટલાક દેશો વેક્સીન બનાવવામાં લાગ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપની ભારતની સીરમ ઈન્સ્ટિટ્યુટ સાથે મળી વેક્સીન તૈયાર કરી રહી છે. ભારતમાં આ વેક્સિન કોવિશીલ્ડ નામથી લોન્ચ કરવામાં આવનાર છે. ત્યારે આ વેક્સીનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.
થોડા દિવસો અગાઉ આ વેક્સીનનું ટ્રાયલ ભારતમાં રોકી દેવામાં આવ્યુ હતું. જોકે, કોરોના વાયરસની સામે વેક્સિનની રેસમાં સૌથી આગળ કોવિશીલ્ડ વેક્સિનનું ટ્રાયલ ભારતમાં ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવા અહેવાલ સામે આવ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારતમાં કોવિશીલ્ડનું ટ્રાયલ ફરીથી ડ્રગ કંટ્રોલર જનરલની મંજૂરીથી શરૂ કરશે. તેના પર ડીસીજીઆઈ ડેટા સેફ્ટી મોનિટરિંગ બોડીના ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યું છે.
મહત્વનું છે કે, ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ 6 સપ્ટેમ્બરના વેક્સિનના ટ્રાયલ રોક લગાવી હતી. પરંતુ સીરમ ઇન્સ્ટિટ્યૂટે ભારતમાં ટ્રાયલ ચાલુ રાખ્યું હતું. 9 સપ્ટેમ્બરના ડીસીજીઆઇની આપત્તિ બાદ સીરમે ટ્રાયલ રોક લગાવી હતી. કોવિશીલ્ડ વેક્સિન રેસમાં સૌથી આગળ છે અને ત્રીજા તબક્કામાં છે. આપને જણાવી દઈએ કે, ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રોજેનેકા તેને મળીને બનાવી રહ્યાં છે. ભારતથી પુણેની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તેની પાર્ટનર છે.