એશિયાના સૌથી મોટા રોપ-વેના ભાડાને લઈને વિવાદ ઉભો થયો હતો. અનેક રજુઆત અને વિરોધ બાદ ગિરનાર રોપ વેના ભાડામાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. ભાડું ઘટાડવા માટે વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી રજુઆત કરવામાં આવી હતી. જે બાદમાં નવા ભાડાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, જે ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં જીએસટી ભાડામાં સમાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ટિકિટના દર પર અલગથી જે 18 ટકા જીએસટી વસૂલ કરવામાં આવતો હતો તે હવે ટિકિટના દરમાં આવી જશે. રોપ વે બનાવનાર ઉષા બ્રેકોની આ જાહેરાતને લોલીપોપ સમાન ગણવામાં આવી રહી છે.
નવી જાહેરાત પ્રમાણે પુખ્ત વયની વ્યક્તિ માટે ટિકિટનો ભાવ 700 રૂપિયા રહેશે. આ માટે અલગથી જીએસટી ચૂકવવો નહીં પડે. 700 રૂપિયાની ટિકિટમાં વ્યક્તિ ઉપર જઈ અને પરત આવી શકશે. જ્યારે બાળકો માટે આવવા અને જવાના ટિકિટનો ભાવ જીએસટી સહિત 350 રૂપિયા રહેશે.
જો કોઈ વ્યક્તિએ એક તરફની મુસાફરી કરવી હશે તો તેમણે આ માટે જીએસટી સહિત 400 રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટિકિટના દર પર જીએસટી અલગથી લેવામાં આવતો હતો. હવે જીએસટીના દરને ટિકિટના ભાવમાં જ સમાવી લેવામાં આવ્યો છે. આ પહેલા સામાન્ય ટિકિટ માટે 700 રુપિયા અને 18 જીએસટી અલગથી ચુકવવો પડતો હતો. જ્યારે બાળકોની ટિકિટ માટે પણ 350 રુપિયા અને અલગથી 18 જીએસટી ચુકવવાનો થતો હતો.