રાજ્યના ઘણા શહેરોમાં કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા પ્રદૂષણ અને ગંદકી તો ફેલાય જ છે પરંતુ આ પાણી તળાવ તેમજ અન્ય નદી-નાળામાં છોડવામાં આવતા જળચર જીવોના મોત પણ થતાં હોય છે. ત્યારે ભરુચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીના કારણે હજારો જળચર જીવોના મોતના અહેવાલને લઈ ખળભળાટ મચ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પ્રદૂષિત પાણી છોડવામાં આવતુ હોવાના કારણે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
હાલ આ પ્રદૂષિત પાણી બોરીદ્રા થઈને ગોવાલી ગામ સુધી પહોંચ્યું છે. જેના કારણે હજારો માછલીઓના મોત થયા છે. મળતી માહિતી મુજબ, ઝઘડીયા જીઆઇડીસી માં આવેલા ઉદ્યોગના સંચાલકોએ પ્રદૂષણ ફેલાવવામાં હદ કરી નાખી છે. ગત રવિવાર અને સોમવારના રોજ ગેરકાયદેસર રીતે ચોરી છુપે ઝઘડિયાના કોઈ ઉદ્યોગ દ્વારા ગેરકાયદેસર સંગ્રહિત કરેલ પ્રદૂષિત પાણી જીઆઇડીસીના વરસાદી કાંસ મારફતે જાહેરમાં છોડવામાં આવ્યુ હતું. જેના કારણે આ પાણી જીઆઇડીસી થઈ દુમાલા બોરીદ્રા બાદ હવે ગોવાલી ગામની સીમમા ફરી વળ્યા છે, જેના કારણે ગોવાલી ગામની ખાડી કોતરમાં પાણી વહેતા થતાં મોટી સંખ્યામાં હજારો માછલીઓના મોત થયા છે.
પ્રદૂષિત પાણી ગોવાલી સુધી પહોંચતાં ગામના સરપંચે જીપીસીબી તથા જીઆઇડીસીની મોનીટરીંગ ટીમને આ અંગે ફરિયાદ કરવામાં આવતા જવાબદાર વિભાગ દ્વારા ફક્ત પાણીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.