દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસમાં હાલ નેતૃત્વ અને કાર્ય પદ્ધતિને લઈને ભારે મડાગાંઠ ઉભી થઈ છે. પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને હાલમાં જ પત્ર લખ્યો હતો અને પાર્ટીમાં ફેરફાર કરવા માટે માંગ કરી હતી. આ 23 નેતાઓમાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ સામેલ હતા.
ત્યારે હવે કોંગ્રેસની કાર્ય સમિતિની બેઠકના ચાર દિવસ પછી ગુલામ નબી આઝાદના નિવેદને પાર્ટીમાં ફરી એકવાર ખળભળાટ મચાવી દીધો છે. તેમણે ફરી એકવાર પાર્ટીની વર્કિંગ કમિટી અને પ્રમુખ પદની ચુંટણી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, ચુંટાયેલા લોકો લીડ કરશે તો પાર્ટી માટે સારુ રહેશે, નહીં તો કોંગ્રેસ આગામી 50 વર્ષ સુધી વિપક્ષમાં જ બેઠી રહેશે.
તેમણે જણાવ્યું કે, બની શકે કે નિયુક્ત કરવામાં આવનાર કોંગ્રેસ અધ્યક્ષને પાર્ટીમાંથી એક ટકા લોકોનું સમર્થન ન પણ મળે. ગુલામ નબી આઝાદે વધુમાં જણાવ્યું કે, રાજ્યોના પ્રમુખ, જિલ્લા અધ્યક્ષ, બ્લોક અધ્યક્ષના પદો પર પણ ચૂંટણી થવી જોઈએ. જોકે, કેટલાક નેતાઓ આવુ નથી ઈચ્છતા કારણકે તેમને પોતાનું પદ ગુમાવી દેવાનો ડર છે. સાથે જ તેમણે કહ્યું કે જે વફાદાર હોવાનો દાવો કરી રહ્યા છે તે વાસ્તવિક્તામાં ખૂબ જ ખરાબ રાજકારણ રમી રહ્યા છે. જેના કારણે કોંગ્રેસ પાર્ટી અને દેશને પણ નુકશાન થાય એમ છે. કોંગ્રેસ નેતાના આ નિવેદનથી એ પણ સ્પષ્ટ થયું છે કે, સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓ સિવાયના અન્ય દિગ્ગજ નેતાઓને સારુ પદ મળ્યુ છે જેથી તેઓ પાર્ટીમાં ફેરફાર કરવાના પક્ષમાં નથી. જેમાં જયરામ રમેશ સહિતના નેતાનો સમાવેશ થાય છે. જયરામ રેમશને રાજ્યસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ બનાવાયા છે.