ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્ષ સેવા ઓકટોબરના અંતમાં 31મીથી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન જ થવાનું હતું. જોકે આ રોપેક્ષ સેવા હાલ શરુ કરવામાં આવી નથી. ત્યારે આ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
મનસુખ માંડવિયાએ આ અંગે જણાવ્યું કે, ઘોઘા-હજારી રોરો ફેરી સર્વિસ ટૂંક સમયમાં જ શરુ કરવામાં આવશે જેનું વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ 8 નવેમ્બરના રોજ પીએમ મોદી કરાવશે. તેમણે જણાવ્યું કે, રોરો ફેરી સર્વિસ દરરોજના 3 ફેરા મારશે, જેમાં વાર્ષિક આશરે 5 લાખ મુસાફરો પરિવહન કરશે.
આ સર્વિસ શરુ થતાં 370 કિલોમીટરનું અંતર ઘટી જશે. આ રોરો ફેરી સર્વિસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને પણ ફાયદો થશે. આશરે 550 જેટલા મુસાફરો તેમાં બેસી શકશે. જ્યારે 30 મોટા ટ્રક અને 100 ટુ વ્હિલર તેમાં સમાવવામાં આવે તેવી ક્ષમતા છે. આ પહેલા ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) અને ઇન્ડિગો સિવેઝ વચ્ચે કરારની બાબતે મડાગાંઠ સર્જાતા હજીરાથી થનાર લોકાર્પણ મોકૂફ રાખવું પડ્યું હતું. જીએમબી અને ફેરી ઓપરેટર વચ્ચે સપ્લીમેન્ટરી કરારમાં સામેલ કરવામાં આવેલી વાંધાજનક શરતોને કારણે બંને વચ્ચે મતભેદો સર્જાયા હતા. જેના કારણે રોરો ફેરી સર્વિસ શરુ કરવામાં વિલંબ થયો છે. ત્યારે હવે ઘોઘો-હજીરા રોરો ફેરી સર્વિસ ટૂંક સમયમાં જ શરુ થવા જઈ રહી છે. જેનું વર્ચ્યુઅલ લોકાર્પણ પીએમ મોદી કરશે.