કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એવું બનાસકાંઠા જિલ્લામાં આવેલા આદ્યશક્તિ પીઠ અંબાજી મંદિરની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે. દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું પ્રથમ ISO 9001 : 2015 સર્ટી ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીએ આ સર્ટિફિકેટ યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં પ્રવાસન-યાત્રાધામ સચિવ મમતા વર્મા અને આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ, બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેને ગાંધીનગરમાં અર્પણ કર્યું હતું.
અંબાજી મંદિરની આ પ્રમાણપત્ર માટે પસંદગી કરવામાં આવરી લેવાયેલી મહત્વપૂર્ણ બાબતોમાં સમગ્ર મંદિર પરિસરના સુઆયોજિત સંચાલન, ગબ્બર પરની સુવિધાઓ, પ્રસાદ અને અન્ય ખાદ્ય સામગ્રી તેમજ યાત્રી નિવાસ સુવિધાઓ, વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ સહિતનો સમાવેશ થાય છે.
(File Pic)
આપને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાર્ન્ડડાઇઝેશન ISO એ યુ.કે. બેઝ્ડ સંગઠન છે અને જે-તે સંસ્થા-સંગઠનોને તેની ગુણવત્તાયુકત સેવાઓ, પર્યાવરણ જાળવણીના ઉપાયો તથા સુરક્ષા-સલામતીની સર્વગ્રાહી બાબતોના મૂલ્યાંકનના આધારે ISO સર્ટીફિકેશન માટે પસંદ કરે છે.મહત્વનું છે કે, આ સર્ટીફિકેટ ૩ વર્ષ માટે માન્ય રહે છે. એટલું જ નહિ, દર વર્ષે સર્વેલન્સ ઓડિટ દ્વારા જે-તે સુવિધાઓની ગુણવત્તામાં સુધારાની ચકાસણી પણ થતી હોય છે.