કોરોના મહામારીને લઈ રાજ્યમાં ચાલુ વર્ષે નવરાત્રીમાં ગરબા રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે વડોદરાના જ્યૂબિલીબાગ ખાતે ચાલતા યોગ કલાસ દરમિયાન મહિલાઓએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ યોગની સાથે સાથે ગરબા અને ટીમલીની રમઝટ બોલાવી હતી.
મળતી માહિતી અનુસાર જ્યુબિલીબાગ ગાર્ડનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિજ્ઞા ગાંધી યોગ કલાસ ચલાવે છે. જિજ્ઞા ગાંધી સવાર અને સાંજ એમ કુલ બે બેચના યોગ ક્લાસ ચલાવે છે. જેમાં 50થી 60 જેટલા યોગ સાધકો છે. તારીખ 17મીથી નવરાત્રિનો પ્રારંભ થવાનો છે. જોકે આ વખતે કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકારે ગરબા પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
તેવામાં યોગ સાધકો યોગની સાથે સાથે ગરબાની મોજ માણી શકે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અગ્રણી અને યોગ ટીચર જિજ્ઞાબેન ગાંધી દ્વારા યોગની સાથે સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ શીખી રહેલ મહિલાઓ અને યુવતિઓ ખાસ પહેરવેશમાં સજ્જ જોવા મળ્યા હતા અને લાઉડ સ્પીકરના સુરે ગરબા અને ટીમલીની રમઝટ બોલાવી હતી.
આ દરમિયાન તમામે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા માસ્ક પહેરીને રાખ્યુ હતું તેમજ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખ્યુ હતું. આ પ્રસંગે વડોદરા શહેર-જિલ્લાના યોગ કોચ ડોક્ટર સોનાલીબેન માલવયા પણ હાજર રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે વડોદરા મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા.