કોરોનાની મહામારીને અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા ગરબા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવતા નવરાત્રિના સંલગ્ન નાના-મોટા ધંધા ઉપર મોટી અસર પડી છે. એટલું જ નહીં દશેરા તેમજ દિવાળીના તહેવારો પણ લોકોએ ઘરમાં જ રહી પરિવાર સાથે ઉજવવા જણાવ્યું છે. તહેવારો પર લગાવવામાં આવેલી રોકને કારણે ફૂલના વેપારીઓને ભારે ફટકો પડ્યો છે. જેમાં ખાસ કરીને ફૂલ બજારના ધંધાને 75 ટકા અસર થઇ છે.
ફૂલના વેપારીઓએ જણાવ્યું હતું કે, નવરાત્રિમાં ગલગોટા અને ગુલાબની વધારે માંગ હોય છે, પરંતુ, ગરબા બંધ હોવાના કારણે માત્ર 25 ટકા ફૂલો જ માર્કેટમાં આવે છે અને તે ફૂલો પણ ન વેચાતા ફેંકી દેવા પડે છે. જે ગુલાબ ગત નવરાત્રિમાં 350થી રૂ.૪૦૦એ કિલો વેચાતાં હતાં, તે ચાલુ વર્ષે રૂ.૧૦૦થી 150માં કિલો વેચાઈ રહ્યાં છે.
નવરાત્રિમાં ગરબા બંધ હોવાથી ફૂલનાં વેપારને ૭૫ ટકા અસર પહોંચી છે. માર્કેટમાં ૨૫ ટકા જ ફૂલ આવે છે, તે પણ વેચાતાં ન હોવાથી ફેંકી દેવાં પડે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. ગત વર્ષે ગલગોટાનો જથ્થાબંધ ભાવ એક કિલોના ૬૦ રૂપિયા હતા. જે ઘટીને આ વર્ષે અડધા ૩૦ રૂપિયા છે. કોરોનાના કારણે ફૂલ બજારને પડેલી માઠી અસરે વેપારીઓને રડવાનો વખત આવ્યો છે.