ગુજરાતીઓનો અતિપ્રિય તહેવાર ગણાતા નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતીઓ ગરબાના તાલે ગરબે ઝૂમવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોરોનાકાળમાં ગરબાના આયોજનને રદ્દ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે ગરબાનું આયોજન શક્ય છે કે નહીં તે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.
તેમણે જણાવ્યું કે, રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમાં નથી. તેમણે ઉમેર્યું કે, ગ્રામીણ કક્ષાએ કે પછી શહેરોમાં શેરી ગરબા સંદર્ભે આગામી સમયમાં નિર્ણય લેવાશે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શેરીગરબા સંદર્ભે કેવી રીતે મંજૂરી આપી શકાય તે મુદ્દે હજી સુધી નિર્ણય લેવાયો નથી. તેમણે સ્પષ્ટતા કરી કે ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે બેઠક બાદ કોઈ નિર્ણય લેવાશે. મહત્વનું છે કે, કોરોનાની મહામારીને જોતા મુખ્યમંત્રી રુપાણીએ રાજ્ય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો હાલમાં જ નિર્ણય લીધો છે. આ ઉપરાંત ઘણા ગરબા આયોજકોએ પણ ગરબાના આયોજન નહીં કરવાનો નિર્ણય લીધો છે.