છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સરકાર સામે આંદોલનો અને હડતાળોનો અવિરત દોર ચાલુ રહ્યો છે. કોઈને કોઈ બાબતને લઈ સરકારી કર્મચારીઓ, દુકાનદારો સરકાર સામે વિરોધ કરવા આંદોલનો અને હડતાળો કરતા રહે છે, ત્યારે રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો દિવાળીના ટાણે જ અચોક્કસ મુદત માટે હડતાળ પર ઉતરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતમાં 17000 જેટલા સસ્તા અનાજના દુકાનદારોએ અગાઉ સરકાર સામે કેટલીક રજૂઆતો કરી હતી. જેમાં 300થી ઓછા કાર્ડ ધારકો હોય તેમણે 20000 જેટલું કમિશન આપવાની, સર્વરની ખામી સત્વરે દૂર કરવાની બાબતોને લઈ જન્માષ્ટમી સમયે સરકાર સાથે સમાધાન થયું હતું. પરંતુ સરકારે આપેલા વાયદાઓ પૂરા કરવામાં ન આવતાં હવે સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદત પર ઉતરી ગયા છે. એકબાજુ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતરતાં ગરીબ અને મધ્યમ વર્ગને હાલાકી ભોગવવાનો વારો આવશે.
રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી કુંવારજી બાવાળિયાએ દુકાનદારો દ્વારા શરૂ કરવામાં આવેલી અચોક્કસ મુદત અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, સસ્તા અનાજના દુકાનદારોની વ્યાજબી માગ જ સ્વીકારાશે. કાર્ડ ધારકોને દિવાળીના સમયે કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. દુકાનો પાસે અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્દ્ધ છે. સરકાર દુકાનદારો સાથે બેસીને વ્યાજબી નિરાકરણ લાવવા કટિબદ્ધ છે તેવી વાત પણ કુંવારજી બાવાળિયાએ કરી હતી.