માણસા તાલુકાની પરિણીતાએ ચાર વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્નના થોડા સમય પછી સાસરીમાં પરિણીતાને નાની નાની બાબતોમાં સાસુ સસરા મહેણાં ટોણાં મારવા લાગ્યા હતા. જો કે પતિ સાથે રહેવાની મહેચ્છાએ તે કડવા વહેણનાં ઘૂંટડા પી જતી હતી. સમય જતાં આ લગ્ન જીવનથી પરિણીતાને અઢી વર્ષનો દિકરો પણ છે.બીજી તરફ થોડા દિવસ અગાઉ પરિણીતાના દાદાનું અવસાન થતાં તે ભાંગી પડી હતી. કેમકે પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં દાદા જ તેની પસંદ મનપસંદ અને લાગણીઓ સમજી શકતા હતા. જેનાં કારણે તેં ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. તો સાસુ સસરાની કચકચ પણ યથાવત હતી. જેનાં કારણે દવા લેવા જવાનું કહીને ત્રણ દિવસ અગાઉ ઘરેથી એકલી નીકળી ગઈ હતી.
જે મોડે સુધી ઘરે પરત ન ફરતા તેનો પતિ સહિતના પરિવારજનો શોધખોળમાં લાગી ગયા હતા. ત્યારે પરિણીતા માનસિક રીતે એટલી તૂટી ચૂકી કે છેલ્લા બે દિવસથી ગાંધીનગર સિવિલના ખાતે ઓશિયાળું જીવન જીવવા લાગી હતી. અને લોકો પાસે માંગીને પેટ ભરીને જ્યાં જગ્યા મળે ત્યાં જઈને સૂઈ જતી હતી. સતત બે દિવસથી અજાણી સ્ત્રી નિરાધાર અવસ્થામાં ફરતી જોઇને કોઈએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનને જાણ કરતા કાઉન્સિલર ભાવના બેન પરમાર અને હેડ કોન્સ્ટેબલ ઉષાબેન હોથા ડ્રાઈવર વિષ્ણુભાઈ સાથે સિવિલ દોડી ગયા હતા.