સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે આંતક ફેલાવ્યો છે. ત્યારે ભારતમાં કોરોના વાયરસની મહામારીના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉનનાં સમયમાં પણ ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. પોલીસ દ્વારા લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે. તેવામાં સુરતનાં અમરોલી પોલીસ મથકની હદમાં જુગાર રમતા ૯ લોકોને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ૬૨ હજારની મતા કબજે કરી હતી.
જયારે અમરોલી પોલીસ મોટા વરાછામાં એક ફાર્મ પાસે પહોંચી હતી, ત્યારે જાહેરમાં જ કેટલાક ઇસમો જુગાર રમતા હતા. ત્યારબાદ પોલીસે જાહેરમાં જુગાર રમતા તમામ ઈસમો વિપુલ, સાગર, મેહુલ, જીગ્નેશ વગેરેને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી અંગઝડતી તેમજ દાવ ઉપરના મળી કુલ રૂ. ૬૨,૬૦૦ ની મતા કબજે કરી હતી. આ તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ, લોકડાઉન દરમિયાન પોલીસ તંત્ર ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યું છે.