રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવી રહેલ સ્કૂલ ફીને લઈ ભારે વિવાદ અને વિરોધ બાદ સ્કૂલ સંચાલકો અને રાજ્ય સરકારની બેઠક બાદ સ્કૂલ ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લેવાયો હતો.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે ખાનગી શાળા હવે 25 ટકા ઓછી ફિ વસુલશે,અને શિક્ષકોને છુટા નહીં કરી શકે. જોકે સરકારના આ નિર્ણયને લઈ વાલી મંડળમાં નિરાશા ફેલાઈ છે. આ મામલે કોંગ્રેસ તેમજ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
ત્યારે અમદાવાદના હાટકેશ્વર સર્કલ નજીક અમદાવાદ એનએસયુઆઈ કાર્યકરોએ એકઠા થઈ રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફીમાં 25 ટકા રાહત આપવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સંપૂર્ણ સત્રની ફી માફીની માંગ સાથે શિક્ષણ મંત્રી ચુડાસમાનો વિરોધ કર્યો હતો. જોકે આ દરમિયાન અમદાવાદ પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલ એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરી હતી.