ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગેંગરેપના આરોપી ભાજપ નેતા શ્યામ પ્રકાશની આખરે ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપ નેતા પોલીસની પકડથી બચવા માટે ફરાર થઈ ગયો હતો. જોકે, પ્રયાગરાજ પોલીસે ભાજપ નેતાને ઝડપી પાડ્યો છે. એક વિદ્યાર્થીનીએ ભાજપના નેતા શ્યામ પ્રકાશ દ્વિવેદી અને ડોક્ટર અનિલ દ્વિવેદી પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. આ બંને વિરુદ્ધ પ્રયાગરાજના કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
પીડિતાની ફરિયાદ બાદ પોલીસે ડો. અનિલ કુમાર દ્વિવેદીની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો, પરંતુ શ્યામ પ્રકાશ દ્વિવેદી ફરાર થઈ ગયો હતો. પોલીસે શ્યામ પ્રકાશ દ્વિવેદીની ધરપકડ કરવા માટે અનેક સ્થળોએ ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસે પ્રયાગરાજના જોર્જટાઉન વિસ્તારમાંથી ગેંગરેપના આરોપી ભાજપ નેતાની ધરપકડ કરી હતી.
આપને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના બેલી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીના પિતાના અવસાન પછી આરોપી ડોક્ટર અનિલ દ્વિવેદી દ્વારા આર્થિક મદદના નામે તેની ભાજપ નેતા શ્યામ પ્રકાશ દ્વિવેદી સાથે મુલાકાત કરાવી હતી. ત્યારબાદ ભાજપ નેતાએ થોડી આર્થિક મદદ કર્યા બાદ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યુ હતું. મહત્વનું છે કે, પીડિતાએ વર્ષ 2019થી 2020 સુધી શારીરિક શોષણનો આરોપ લગાવતા ગેંગરેપની ધારાઓ હેઠળ કેસ કર્યો હતો.