આ કોરોના વાયરસની મહામારીનાં લીધે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે સરકાર દ્વારા લોકડાઉનનાં પગલે તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. તેવામાં જામનગરમાં ગ્રીન માર્કેટ ખાતે કરિયાણાના વેપારીઓને પાસ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે.
બે દિવસ પહેલા જામનગરના પોલીસ વડા શરદ સિંઘલ સાથે વેપારી એસોસિયેશનની બેઠક મળી હતી અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, કરિયાણાના વેપારીઓને હોલસેલ ખરીદી માટે સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. તેવામાં ગ્રીન માર્કેટ ખાતે ૬૦૦ જેટલા વેપારીઓને લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામા આવ્યો હતો.
મહત્વનું છે કે, અત્યાર સુધી વેપારી એસોસિયેશન દ્વારા હોલસેલ તેમજ કરિયાણાના વેપારીઓને પાસ ઈશ્યુ કરવામાં આવતા હતા. હવે પોલીસ તેમજ વેપારી એસોસિએશનના સંયુક્ત પ્રયાસથી વેપારીઓને પાસ આપવામાં આવી રહ્યા છે. ત્યારે ગ્રીન માર્કેટ ખાતે કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે આઇપીએસ સફીન હસન સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા.