દેશમાં કોરોના મહામારીના પગલે તમામ પ્રાણી સંગ્રહાલયો, સફારી પાર્ક અને અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ છે. ત્યારે હવે ધીમે ધીમે બધા ક્ષેત્રે છૂટ આપવામાં આવી રહી છે. ત્યારે તેમાં પણ છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે સફારી પાર્ક, પ્રાણી સંગ્રહાલયો, અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખોલવા માટે મંજૂરી આપી દીધી છે.
આ અંગે ગુજરાતના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્યામલ ટીકેદારે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જેમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટી, કેન્દ્રીય વન મંત્રાલય અને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીના પત્રોને ટાંકીને ગુજરાતના તમામ સીસીએફને ટાંકીને જણાવાયું છે કે અનલોક-4માં સુચના પ્રમાણે આગામી 1 ઓક્ટોબર 2020થી રાજ્યના તમામ સફારી પાર્ક અને પ્રાણી સંગ્રહાલયને ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત 15 ઓક્ટોબર 2020થી તમામ અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે ચોક્કસ શરતોને આધીન શરુ કરવા મંજૂરી અપાઈ છે.
ત્યારે 1 ઓક્ટોબરથી સાસણ સફારી પાર્ક અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટના પ્રાણી સંગ્રહાલયો ફરી ધમધમતા થશે. મહત્વનું છે કે, દેશ-વિદેશના પર્યટકોથી ઊભરાયેલા રહેતા સાસણમાં ફ્રી ધમધમાટ જોવા મળશે, કારણ કે કોરોનાકાળને લઈને લોકડાઉનથી સાસણ સફરી પાર્ક, દેવળિયા પાર્ક બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે અનલોક 4માં સાસણ સફારી પાર્ક સહિતના પ્રાણી સંગ્રહાલય તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે શરુ કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. વન વિભાગ દ્વારા તેમાં કેટલા પર્યટકોને એન્ટ્રી આપવી, કયા નિયમોનું પાલન કરવાનું રહેશે તે નવી ગાઈડલાઈન તૈયાર કરીને ઓનલાઈન બુકિંગ સીસ્ટમ શરુ કરવામાં આવી રહી છે.