કોરોનાનો કહેર હવે ઘટતો જતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોવિડ-19 બાબતે નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. જે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી પ્રભાવી રહેશે.
ગૃહ મંત્રાલયના નવા દિશાનિર્દેશો પ્રમાણે સિનેમા હોલમાં હવે 50 ટકાથી વધારે લોકોને બેસવાની મંજૂરી રહેશે. આ સાથે સ્વિમિંગ પૂલમાં સામાન્ય લોકો પણ જઈ શકશે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને વિભિન્ન ગતિવિધિઓ અને કોવિડ ઉપયુક્ત વ્યવહારના નિયંત્રણના ઉપાયોને યથાવત્ રાખવા અને એસઓપી લાગુ કરવી ફરજિયાત છે.
સિનેમા હોલ માટે સૂચના અને પ્રસારણ મંત્રાલય નવી એસઓપી જાહેર કરશે. કેન્દ્રના નિર્દેશો પ્રમાણે સામાજિક, ધાર્મિક, રમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક આયોજનો માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એસઓપીના મતે મંજૂરી આપવામાં આવશે. સ્વિમિંગ પૂલને લઈને યુવા મામલા અને ખેલ મંત્રાલય તરફથી એસઓપી જારી કરવામાં આવશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરીને નિર્ણય કરશે.