કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે. ખેડૂતોએ સરકાર સાથે વાટાઘાટો કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે અને માગણી કરી છે કે તાત્કાલીક ધોરણે સરકાર સંસદનું સત્ર બોલાવે અને આ ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરે. જો આ માંગણી ન સ્વીકારાઇ તો વધુને વધુ પ્રમાણમાં દિલ્હીના રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવશે તેવી ચીમકી પણ આપી છે.
ત્યારે હવે ટ્રાન્સપોર્ટર્સે પણ ખેડૂતોના સમર્થનમાં આવી ગયા છે અને 8 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી દીધી છે. જો આમ થશે તો જીવન જરૂરિયાતની વસ્તુઓનો સપ્લાય પૂર્વઠો જ ઠપ થઇ જશે. આશરે એક કરોડ માલવાહક ટ્રક ડ્રાઇવરોનું પ્રતિનિધિત્વ સંભાળી રહેલા સર્વોચ્ચ ટ્રાન્સપોર્ટ બોડી ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ-AIMTCએ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કર્યુ છે અને ઉત્તર ભારતના રાજ્યો સહિત દેશભરમાં જરુરી વસ્તુઓની અવર-જવર પર રોક લગાવતી હડતાળની જાહેરાત કરી છે.
મહત્વનું છે કે, ભારતના પરિવહન ક્ષેત્રની માફક, કૃષિ ક્ષેત્ર પણ દેશની જીવનદોરી છે. દેશના 70 ટકા ગામડાઓ ખેતી પર નિર્ભર છે. ખેડૂતોના આંદોલનથી સંપૂર્ણ ઉત્તર ભારત અને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરથી આવતા હજારો ટ્રકો પ્રભાવિત થયા છે. ત્યારે હવે ટ્રાન્સપોર્ટરો પણ તેમના સમર્થન પર ઉતરી આવ્યા છે કારણ કે 65 ટકા ટ્રક ખેતી સાથે જોડાયેલી ચીજોના ટ્રાન્સપોર્ટમાં છે.