અમદાવાદ શહેરમાં અવાર નવાર છેતરપીંડીની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે વધુ એક છેતરપીંડીની ઘટના અંગેની ફરિયાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાણીપમાં રહેતા એક યુવકને વિદેશ મોકલવાના બહાને ઠગવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. મળતી વિગત અનુસાર, અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા એક યુવકને કેનેડાના વિઝા અપાવવાના બહાને તેના જ એક પરિચીત એેજન્ટે રૂપિયા ત્રણ લાખ પડાવીને ઠગાઈ કર્યાની ઘટના બહાર આવી છે. જેની ફરીયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ફરિયાદી યુવક જૈમિન કનુભાઈ પટેલ અનમોલ બંગ્લોઝ ન્યુ રાણીપ ખાતે રહે છે. તેને પોતાના મિત્ર દ્વારા ન્યુરાણીપ ખાતે રહેતા અને વિઝાનું કામ કરતા મિતેષ નાઈ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ મિતેશે જૈમિનભાઈના માતાના યુએસએના વિઝા કરાવી આપ્યા હતા.
સાબરમતી પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)
જેથી જૈમિનભાઈને વિશ્વાસ આવતા તેમણે પોતાના કનેડાના વિઝાની વાત કરી હતી. મિતેષે આ માટે રૂ.ત્રણ લાખ જૈમિનભાઈ પાસેથી લીધા હતા. પરંતુ ઘણો સમય વીતી ગયો હોવા છતાં વિઝા આપ્યા નહોતા. જે અંગે જૈમિનભાઈએ પૂછપરછ કરતાં મિતેષે પોતે પ્રોસેસ ન કરી હોવાનું કહીને ચેક આપ્યા હતા. જે પણ બાઉન્સ થયા હતા. છેવટે જૈમિનભાઈએ મિતેષ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આ મામલે છેતરપીંડીની ફરિયાદ દાખલ કરી ઘટનાની તપાસ હાથ ધરી છે.