રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી પહેલા કોંગ્રેસે વિજય રુપાણીના ગઢમાં પોતાની પકડ મજબૂત કરવાની કવાયત હાથ ધરી દીધી છે.
રાજકોટ મનપાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો અંતર્ગત રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી કરવા જઈ રહ્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરીથી કોંગ્રેસમાં જોડાશે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ શુક્રવારે અમિત ચાવડા અને હાર્દિક પટેલની આગેવાની કોંગ્રેસમાં જોડાશે. મહત્વનું છે કે, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાવાના છે તેવી ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી વહેતીથઈ હતી.
ત્યારે આખરે પૂર્વ કોંગ્રેસી નેતા ફરીથી કોંગ્રેસમાં જોડાતા પક્ષને રાજકોટમાં મોટું પીઠબળ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, વિદેશથી આવ્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુના ટેકેદારોએ તેઓને રાજનીતિમાં ફરીથી સક્રિય થવા માંગ કરી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને કુંવરજી બાવળિયા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષો જુનો ખટરાગ ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. જેને લઈ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. જોકે કુંવરજી બાવળિયાએ ભાજપનો ખેસ ધારણ કરી લેતા રાજ્યગુરુના કોંગ્રેસમાં આવવાની માંગ મજબૂત બની હતી. ત્યારે શુક્રવારના રોજ તેઓ કોંગ્રેસમાં વિધિવત રીતે પરત ફરશે.