ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વિશ્વ કપ જીતાડનાર કેપ્ટન અને પૂર્વ ક્રિકેટર કપિલ દેવને હાર્ટ અટેક આવતા દિલ્હીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કપિલ દેવને હૃદયનો હુમલો આવ્યા બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ કપિલ દેવની તબિયત હાલ સુધારા પર છે.
મળતી માહિતી મુજબ, દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવને હાર્ટ એટેકે આવ્યા હોવાના અહેવાલ શુક્રવારે બપોરે સામે આવ્યા હતા. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કપિલ દેવની દિલ્હીની એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ છે. હાલમાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ વિશે આ અહેવાલ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેઓ ઝડપથી સાજા થવાની પ્રાર્થના થવા લાગી છે.
ભારતને પોતાની કેપ્ટનશિપમાં પ્રથમ વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવની ગણના વિશ્વના દિગ્ગજ ઓલરાઉન્ડરમાં થાય છે. મહત્વનું છે કે, કપિલ દેવની ઉંમર હાલ 61 વર્ષ છે, ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તેઓ સતત કોમેન્ટ્રી કરતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત તેઓ ઘણા ટીવી શોમાં પણ જોવા મળતા હોય છે.