ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને ઉત્તરપ્રદેશમાં યોગી સરકારના મંત્રી ચેતન ચૌહાણનું નિધન થયું છે.ચેતન ચૌહાણને જુલાઇ માસમાં જ કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તેમની સારવાર ચાલી રહી હતી. એક દિવસ પહેલા જ ચેતન ચૌહાણની તબિયત લથડી હતી. તેમની કિડની નિષ્ફળ ગઈ હતી. જેના કારણે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. જ્યાં આજ રોજ તેમણે મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
(File Pic)
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના હોમ ગાર્ડ પ્રધાન અને પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું નિધન થયું છે. સાંજે સાડા ચાર વાગ્યે કાર્ડિયાક એરેસ્ટને કારણે ચેતન ચૌહાણનું મોત નીપજ્યું હતું. તેમની ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં ગત રોજ તેમની તબિયત વધુ લથડી હતી.
ચેતન ચૌહાણના નિધનના અહેવાલ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો ભૂતપૂર્વ ક્રિકેટર હોવાના કારણે ક્રિકેટજગતના દિગ્ગજો દ્વારા પણ ચેતન ચૌહાણના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યુ હતું. ચેતન ચૌહાણના અવસાન ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ ચેતન ચૌહાણના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.