ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ શનિવારે સવારે 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી ગુજરાતના રાજકારણમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો.
તેઓ ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી હતા. માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેઓએ 1973-1975-1982 અને 1985માં ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યુ હતું. માધવસિંહ “ખામ થિયરી” માટે પણ ખૂબ જાણીતા થયા, જેના થકી તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતા.
માધવસિંહ સોલંકીને એમના કાર્યકાળની મોટામાં મોટી ક્રૅડિટ આપવી હોય, તો એમણે દેશભરની શાળાઓમાં લાગુ કરાવેલી મધ્યાહ્ન ભોજન યોજના માટે આપી શકાય. તેમજ ગુજરાત વિધાનસભામાં 182માંથી 149 બેઠકો જીતવાનો માધવસિંહ સોલંકીનો રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી નથી શક્યા.
મહત્વનું છે કે, માધવસિંહ સોલંકીના નિધનના પગલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓથી લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.