અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હાલમાં જ અમેરિકાની સંસદની બિલ્ડિંગ કેપિટલ હિલ પર ભારે હોબાળો અને તોડફોડ કરી હતી. જેમાં અત્યાર સુધી 5 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જ્યારે આ હિંસાની ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.
માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ ટ્રમ્પને જેલના સળીયા ગણવા પડી શકે છે. મળતી માહિતી મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલ ઉશ્કેરણીજનક ભાષણ બાદ હિંસા ભડકી હતી જેને લઈ અનેક અમેરિકી સાંસદ ઈચ્છે છે કે, ટ્રમ્પને ઉશ્કેરણીજનક નિવેદન બદલ હિંસા ભડકાવવાના ગુનામાં જેલભેગા કરવામાં આવે.
કેપિટલ હિલ્સમાં થયેલી હિંસામાં મોટા ભાગના લોકો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ જવાબદાર માની રહ્યા છે. આ હિંસાની ઘટના બાદથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે દુનિયાના અનેક દેશો ફિટકાર પણ વરસાવી રહ્યા છે. એવી પણ ચર્ચાએ જોર પકડ્યુ છે કે ટ્રમ્પ તેમના બાકી વધેલા 12 દિવસનો કાર્યકાળ પૂરો કરશે કે નહીં. જોકે અમેરિકન બંધારણના 25માં સંધોશન પ્રમાણે રાષ્ટ્રપતિ કેબિનેટ તેમને તેમના જ પદ પરથી હટાવી શકે છે. તેમાં કેબિનેટના બહુમતની સાથે ઉપરાષ્ટ્રપતિનું સમર્થન પણ જરૂરી છે.