ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાતા દોડધામ મચી છે. રાજ્યમાં 20 જુલાઈથી 21 જુલાઈ સુધીમાં કોરોનાના 1026 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 50465 થઈ ગઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 34 દર્દીના કોરોનાથી મોત થયા છે.
(File Pic)
આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2201 થયો છે. જ્યારે 24 કલાકમાં 744 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 36403 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 298 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 199, વડોદરામાં 75 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 11861 એક્ટિવ કેસ છે. જેમાં 82 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 11779 સ્ટેબલ છે.