જામનગરના મહિલા કોલેજના પ્રોફેસર રહેણાંક મકાનમાં ફાયરિંગ કરવાના અને રૂપિયા એક કરોડની ખંડણી માગવાના પ્રકરણમાં જામનગર પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી છે. જામનગર પોલીસે આજે નિલેશ ઉર્ફે કાબો પરમાર, સંદીપ ઉર્ફે સેન્ડીયો પરમાર, આશિષ ઉર્ફે ચંપાકુંજ રાઠોડ અને નિલેશ ઉર્ફે હક્કો મકવાણા નામના ચાર શખ્સોની અટકાયત કરી છે. આ પહેલા જામનગર પોલીસે સૌ પ્રથમ એક કોર્પોરેટરની ધરપકડ કરી લીધા પછી આ પ્રકરણની ઉંડાણપૂર્વકની તપાસના આધારે બંગલામાં ફાયરિંગ કરનાર જામનગરના બે નામચીન શખ્સને છેક અમદાવાદ સુધી તપાસનો દોર લંબાવી પકડી પાડયા હતા અને જામનગર લઇ આવી રિમાન્ડ માટે રજૂ કરાતા બન્નેના ૨ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ડો.રાજાણીના બંગલામાં લગાવેલા સીસી ટીવી કેમેરાઓ તેમજ અન્ય માર્ગ પર લાગેલા સીસી ટીવી કેમેરાના ફુટેજ નિહાળતા તેમાં જામનગરના જ છ શખ્સો પૈકી બેની ઓળખ કરવામાં મહત્વની સફળતા સાંપડી છે. જેમાં એક આરોપીનું નામ ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉંમર નાયક પઠાણ અને દાઉદ ઉર્ફે દાવલો આરીફ મુસાણી ઘાંચી હોવાનું જાણવા મળ્યું હતું.