લદ્દાખમાં ચીન સાથેના તણાવ વચ્ચે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે સતત બીજા દિવસે લેહના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, લાઈન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર સ્થિતિ થોડી વધુ નાજુક અને ગંભીર બનેલી છે. જોકે ભારતીય સેના તમામ પડકારોને પહોંચી વળવા માટે તૈયાર છે.
તેમણે જણાવ્યું કે, સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે પોતાની સુરક્ષા માટે સાવધાની સાથે તૈનાત છીએ. જેથી આપણી સુરક્ષા અને અખંડતા સુરક્ષિત રહે. વધુમાં આર્મી ચીફે જણાવ્યું કે, ગત 2-3 મહિનાથી સ્થિતિ તણાવપૂર્ણ છે પણ અમે ચીન સાથે સૈન્ય અને રાજનૈતિક રીતે બંને સ્તરે સતત વાતચીત કરી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આ વાર્તાના માધ્યમથી જે પણ મતભેદ છે તેને અમે દૂર કરી લઇશું. અમે તે પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે યથાસ્થિતિ ના બદલાય અને અમે અમારા હિતોની રક્ષા કરવા સક્ષમ રહીએ.
મહત્વનું છે કે, ગત 29 અને 30 ઓગસ્ટની રાત્રે પેંગોંગ વિસ્તારમાં એક પહાડી વિસ્તારમાં ચીને કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય જવાનોએ તેને નિષ્ફળ બનાવી દીધો હતો. ત્યારબાદ ચીની સેનાએ 1 સપ્ટેમ્બરે પણ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ચીની સેનાના તમામ પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવી દીધા હતા.