ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ લવ જેહાદ રોકવા કાયદો બનાવવાની માંગ ઉઠી છે. ઉત્તરપ્રદેશમાં આ નિયમોનું ઉલ્લંઘન કરનારને આકરી જેલની સજા અને આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે હવે આવો જ કાયદો ગુજરાતમાં પણ ઘડવાની માંગ ઉઠવા પામી છે.
વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા આ માંગ કરવામાં આવી છે. હાલમાં જ આણંદમાં વિવિધ સમાજના અગ્રણીઓ અને રાજકીય સામાજિક આગેવાનો એકત્ર થયા હતા. જેમાં ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં જે પ્રકારે લવ જેહાદ અંગેનો કાયદો બનાવવામાં આવે અને તેનો કડકમાં કડક અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાન અમિતસિંહ સોલંકીએ જણાવ્યું કે, લવ જેહાદ અંગે ઉત્તરભારતમાં જે પ્રકારે યોગી સરકાર અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે કાયદો અમલી બનાવ્યો છે, તે જ કાયદો ગુજરાતમાં પણ અમલમાં લાવવામાં આવે તેવી માંગણી સમગ્ર હિન્દુ સમાજ એકતા સમિતીના માધ્યમથી અલગ અલગ સંગઠનો દ્વારા કરવામાં આવે છે. આ કાયદાના કડક અમલ માટેની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે આણંદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ યોગેશ પટેલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોવાને નાતે હું તમને ખાતરી આપુ છું કે, તમારી લાગણી ઝડપથી મુખ્યમંત્રી સમક્ષ પહોંચાડીશ અને લવ જેહાદ અંગેનો કાયદો સર્વ પ્રથમ ગુજરાતમાં જેટલી બને તેટલી ઝડપી અમલ થાય તેવી રજુઆત કરીશું.