ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટર દ્વારા ભારતના અગ્રણી ફુડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમાટોના સ્થાપક અને સીઓઓ ગૌરવ ગુપ્તા સાથે અર્થસભર ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેરપર્સન તરૂણા પટેલ અને કમીટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સત્રમાં સહભાગીઓ સાથે વાત કરતાં ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “કોવિડ-19થી આપણી આસપાસનું વિશ્વ હંમેશ માટે બદલાઇ ગયું છે અને આપણે ભવિષ્યમાં સુસંગત રહેવા માટે નવી ટેકનીક, વ્યૂહ અને યોજનાઓ અપનાવવી પડશે. હાલની સ્થિતિ આપણા માટે મૂશ્કેલ છે અને અગ્રણી ફુડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમાટોએ ગ્રાહકોના ઘર આંગણે ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ફુડ ડિલિવરી સુનિશ્ચિત કરવા ઇનોવેટિવ પહેલ કરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, “ફુડ ઓર્ડર્સ ઉપર લોકડાઉનની મોટી અસર વર્તાઇ છે, પરંતુ હવે માસિક ઓર્ડર્સ એક મિલિયનના સ્તરને સ્પર્શ્યાં છે. ગ્રાહકો માટે ઓછા સમયમાં ગુણવત્તા અને સ્વચ્છ ડિલિવરી અત્યંત આવશ્યક છે અને અમે તેનું સખ્તાઇથી પાલન કરી રહ્યાં છીએ. ગ્રાહકોને સારો ફુડ એક્સપિરિયન્સ પ્રદાન કરવા અમે તેમને ઝોમાટો ગોલ્ડ, ઝોમાટો પે અને ઝોમાટો પ્રો જેવા વિકલ્પો ઓફર કરીએ છીએ.”
ઉલ્લેખનીય છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ફુડ ઇન્ડસ્ટ્રી ઘણાં બિઝનેસ મોડલ સાથે વિકસી છે તથા ઓનલાઇન ફુડ ઓર્ડર સર્વિસ એક ક્રાંતિકારી પગલું છે. ઝોમાટોએ નવીન ઓફરિંગ્સ સાથે પોતાની સ્થિતિને મજબૂત કરી છે. ભારતમાં એક વ્યક્તિ મહિનામાં સરેરાશ 100 ભોજન લે છે, જેમાંથી તે અંદાજે ત્રણથી ચાર વખત ઓનલાઇન ફુડ ઓર્ડર કરતાં હોય છે. ઝોમાટો આ સંખ્યામાં વધારો કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
આ પ્રસંગે ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન કે જેઓ મધુભાન રિસોર્ટ એન્ડ સ્પાના સીઇઓ તરીકે ફુડ એન્ડ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે એક દાયકાથી સંકળાયેલા છે તેમણે જણાવ્યું હતું કે, “કોવિડ-19 બાદ ગ્રાહકો વધુ આરોગ્યપ્રદ ફુડ અને સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો ઉપર ભાર મૂકી રહ્યાં છે. તેના કારણે ઓર્ગેનિક ફુડની માગમાં પણ વધારો થયો છે.” સહભાગીઓ દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોનો ગૌરવ ગુપ્તાએ વિસ્તૃત જવાબ આપ્યા હતાં. અદિતિ પારેખે ગૌરવ ગુપ્તાનો પરિચય આપ્યો હતો તથા એન્કરિંગ અને જર્નાલિઝમમાં દાયકાનો અનુભવ ધરાવતા માલ્વિકા જૈન મોડરેટર હતાં. ડો. રચના ગેમાવતે આભારવિધિ કરી હતી.