જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવાયા બાદથી પાકિસ્તાન ભારતને પરમાણુ યુદ્ધ તેમજ જેહાદની ધમકી આપી રહ્યુ છે. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે પાકિસ્તાની કમાન્ડો સરહદી રાજ્ય ગુજરાતમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવા અને આતંકવાદી હુમલો કરવા માટે કચ્છના રસ્તે સમુદ્રી માર્ગે ભારતમાં ઘૂસણખોરી કરે તેવી શક્યતા છે. જેના પગલે કચ્છ બોર્ડર પોલીસે આસપાસના ઈન્સ્ટોલેશન્સની ચેકિંગ શરૂ કરી દીધું છે તો મરીન કમાન્ડોને પણ તૈનાત કરી દેવાયા છે.
કંડલા પોર્ટ પ્રશાસને બધા જહાજોને સતર્ક રહેવાની સૂચના આપી છે. તો નેવીએ ગુજરાતના તમામ બંદરોને સુરક્ષાને લઈને અલર્ટ પણ જાહેર કરી છે. તટરક્ષક સુરક્ષાદળોને સતર્ક રહેવાનો આદેશ અપાયો છે. નેવી પ્રમુખે પોતાની અલર્ટમાં કહ્યું કે પાકિસ્તાની કમાન્ડો કચ્છમાં ઘૂસી શકે છે. આ જ કારણે તટરક્ષક દળ અલર્ટ રહે. આ અગાઉ નેવીએ પોતાના તમામ યુદ્ધજહાજોને અલર્ટ મોડ પર રાખ્યા હતાં. સરહદી જિલ્લા કચ્છમાં ગત કેટલાક દિવસોના ઘટનાક્રમ અને ઈનપુટના આધારે ઍલર્ટ જાહેર કરાયુ છે.