જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અદુલ્લાએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એલએસી પર જ્યારે ચીન અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે તેવામાં ફારુક અબ્દુલ્લાનું નિવેદને આગમાં ઘી હોમવાનું કામ કર્યુ છે. તેમણે જણાવ્યું કે, અમે ચીનની મદદથી જમ્મુ-કાશ્મીરમાં ફરી કલમ-370 લાગુ કરાવીશું.
ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું કે અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35 એને પુનઃ લાગુ કરવા તેમજ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું કે, ચીને ક્યારેય કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયનું સમર્થન નથી કર્યું અને અમને આશા છે કે ચીનની મદદથી જ કલમ 370 ફરી લાગુ કરી શકાશે.
ભારત-ચીન વચ્ચે પૂર્વ લદાખના વિસ્તારોમાં સર્જાયેલી તણાવની સ્થિતિ સમયે જ ફારુક અબ્દુલ્લાના આ નિવેદને ભારે વિવાદ સર્જ્યો છે. સવાલ એ પણ છે કે એલએસી પર ચાલી રહેલ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ફારુક અબ્દુલ્લાએ આ નિવેદન આપીને પોતે ચીન તરફી હોવાના સંકેત આપ્યા છે કે શું? તેમનું આ નિવેદન કેટલું યોગ્ય છે? આપને જણાવી દઈએ કે, નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક તેમના પુત્ર અને પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા, પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તિ સહિત તમામ નેતાઓને કલમ 370ની નાબૂદી બાદ અટકાયત કે નજરકેદ હેઠળ રખાયાં હતાં.