રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ગઇકાલે વીંછિયા માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઇ હતી. જેનું આજે પરિણામ આવતા ભાજપ પ્રેરિત દસે દસ બેઠક પર ખેડૂત પેનલનો વિજય થયો છે. આથી કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાતા રાજકારણમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. જસદણ બાદ વીંછિયા માર્કેટ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આથી વીંછિયામાં કુંવરજી બાવળિયાનો દબદબો યથાવત જોવા મળ્યો છે. બીજી તરફ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ખાતુ પણ ખોલાવી શકી નથી.વીંછિયા માર્કેટ યાર્ડની 14 બેઠક પર ચૂંટણીનું ગઇકાલે મતદાન થયું હતું. સવારના 9થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું.
જેમાં વેપારી પેનલમાં ભાજપ પ્રેરિત પાંચ અને એક અપક્ષ ઉમેદવાર મેદાને હતા. આ પેનલમાં કુલ 36 મતદારોએ મતદાન કર્યું હતું. તેમજ ખએડૂત પેનલમાં 30 ઉમેદવાર મેદાને હતા. જેમાં 235 મતદારોએ મતદાન કર્યું હતું. ખેડૂત પેનલમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા સહિતના માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ ભાજપનું શાસન છે. ત્યારે જિલ્લામાં વધુ એક માર્કેટ યાર્ડ વીંછિયામાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરી છે.