નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વધુ એક વખત ખેડૂતો કૃષિ કાયદાના વિરુદ્ધમાં ફરીથી રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં ચક્કાજામ કર્યો હતો.
ખેડૂતો સંગઠનોએ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સિવાય આખા દેશભરમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જોકે આ દરમિયાન કોઈ હિંસક દેખાવો ન થતા શાંતિપૂર્ણ રીતે ખેડૂત તેમજ આંદોલનકારીઓએ પ્રદર્શન કર્યુ હતું. ત્યારે ચક્કાજામ બાદ ખેડૂત નેતા રાકેશ ટીકૈતે સરકારને કાયદા માટે અલ્ટિમેટમ આપી દીધું છે.
ખેડૂત આગેવાન રાકેશ ટીકૈતે શનિવારે ફરિવારે કેન્દ્ર સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે. તેમણે સરકારને બીજી ઓકટોબર સુધી કાયદાને રદ કરવાનું અલ્ટિમેટમ આપ્યું અને કહ્યું કે અમે સરકાર સાથે કોઈપણ દબાણમાં કોઈ વાતચીત નહીં કરીએ. નોંધનીય છે કે શનિવારે ખેડૂત આંદોલનકારીઓ દ્વારા દેશભરમાં ચક્કાજામનું એલાન કરવામાં આવ્યું હતું અને ઘણા રાજ્યોમાં તેની અસર પણ જોવા મળી હતી. જોકે ગાજીપુર બોર્ડર સહિત દિલ્હીમાં સંપૂર્ણ શાંતિ હતી અને દિલ્હીમાં પચાસ હજાર જવાનોને ખડેપગે કરવામાં આવ્યા હતા.