રાજકોટના શાપર-વેરાવળ નજીક પડવલા ગામમાં જે.કે. કોટિંગ નામના કા૨ખાનામાં કામ કરતાં શ્રમિક સોનુ મહેશભાઈ આહિરવાડને 7 જૂનના રોજ શેઠ વિજયે ચોરી કર્યાના આરોપમાં પટ્ટા-લાકડીથી માર માર્યો હતો. આથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ આજે સોનુએ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. સિવિલ હોસ્પિટલમાં સોનુના માતા-પિતા અને પરિવારજનોએ આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બન્યું હતું. જોકે આ બનાવમાં શાપર-વેરાવળ પોલીસે કારખાનેદાર વિજયને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.મહેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અમે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા ગયા તો ત્યાં પોલીસે અમને કહ્યું કે તમે સિવિલ લઇ જાવ. અમે કહ્યું કે અમારી પાસે પૈસા નથી તો પોલીસે કહ્યું કે, 108ને ફોન કરો. 108ને ફોન કર્યો તો એક-દોઢ કલાક પછી 108 આવી. ત્યાં સુધી સોનુ પોલીસ સ્ટેશનની બહાર જ ગંભીર ઇજા સાથે પડ્યો રહ્યો હતો.
અમે હોસ્પિટલ લઇને આવ્યા હતા અને પાણી પીવડાવ્યું. ડોક્ટરે કહ્યું કે સોનુને ગંભીર ઇજા પહોંચી છે એટલે બચાવી શકીશું નહીં. સોનુએ મને એટલું જ કહ્યું કે પપ્પા મને પેટમાં લાતો મારી છે. અમારી માગ એટલી જ છે કે અમને ન્યાય મળે.આ અંગે સોનુના પિતા મહેશભાઇ આહિરવાડે જણાવ્યું હતું કે, મારો દીકરો મંગળવારે સવારે 7.30 વાગ્યે કામ પર ગયો હતો. અમે પણ અમારા કારખાનામાં કામ કરી રહ્યા હતા. આથી અમને લાગ્યું કે સોનું પણ કામ પર લાગી ગયો હશે. બાદમાં 8 વાગ્યે મારી પત્નીને રજા મળી હતી અને 9 અને 9.45 વાગ્યાની વચ્ચે મારી પત્નીનો મારા પર ફોન આવ્યો. મારી પત્નીએ કહ્યું કે સોનુના કારખાનેથી ફોન આવ્યો છે તો તમે જાવ, આથી મે કહ્યું કે, તું ત્યાં જા. આથી મેં કહ્યું શું થયું છે તો પત્નીએ કહ્યું કે સોનુને તેના શેઠ મારી રહ્યા છે. ત્યારબાદ મેં મારી પત્નીને ત્યાં મોકલી. ત્યાં બેરહેમીથી મારા પુત્રને મારી રહ્યા હતા. માર મારનાર શેઠનું નામ વિજયભાઈ છે.