શહેરના વિવિધ વિસ્તારમાં ગુરુદ્વારાના નામે ફંડ-ફાળો ઉઘરાવનાર ટોળકીના સભ્યને ગુરુદ્વારા કમિટીના સભ્યોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો. છાણી ગુરુદ્વારા કમિટીના પ્રમુખ અવતારસિંગ વાડે, સેક્રેટરી ગુરુમુખસિંગે પત્રકારોને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગુરુદ્વારાના નામે ટોળકી ફંડ-ફાળો ઉઘરાવતી હોવાની માહિતી મળી હતી.દરમિયાન સોમવારે સવારના સમયે વીઆઈપી રોડ પર એક શખ્સ ગુરુદ્વારાના નામે ફંડ ઉઘરાવતો હોવાની માહિતી મળતાં ગુરુદ્વારા કમિટીના સભ્યો વીઆઈપી રોડ ખાતે પહોંચ્યા હતા અને પૈસા ઉઘરાવતા યુવકને ઝડપી પાડ્યો હતો. યુવકનું નામ ગુરુકિરાતસિંગ બલદેવસિંગ પંજાબી હોવાનું કમિટીના સભ્યોને જણાવ્યું હતું અને તે પરિવારના સભ્યો સાથે ગાજરાવાડીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.
કમિટીના અગ્રણી જશપાલસિંગે જણાવ્યું હતું કે, આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર બલદેવસિંગ છે. આ ઉપરાંત ટોળકીમાં કમલસિંગ, સૂરજસિંગ, બલહારસિંગ, તરણજીતસિંગ, બંટીસિંગ અને ગુરુકિરાતસિંગ સામેલ છે. આ ટોળકી હરિદ્વારની પત્રિકા દેખાડીને વડોદરા, ગોધરા, ભરૂચ સહિતનાં શહેરોમાં ફંડ-ફાળાના નામે પૈસા ઉઘરાવતા હતા. આ ટોળકી ફાળો લઇને પાવતી પણ આપે છે.માર્ચ મહિનાથી અત્યાર સુધી ટોળકીએ 21 પાવતી બુક પૂરી કરી છે, તેના પરથી અંદાજ આવી શકે છે કે ટોળકીએ કેટલી મોટી રકમ ઉઘરાવી હશે. ટોળકી 1 દિવસમાં 10થી 15 હજારનું ડોનેશન ભેગું કરતી હોવાનું અનુમાન છે. જોકે શહેરના કોઈ પણ ગુરુદ્વારા દ્વારા આ રીતે ફંડ ઉઘારાવાતું નથી.