આગામી તા.5 ડિસેમ્બરના રોજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પંચમહાલના શહેરા વિધાનસભાની ચૂંટણીને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને ગુરૂવારે કાંકરી ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં ચૂંટણી અધિકારી એન.કે.પ્રજાપતિની નિગરાની હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવેલ EVM અને VVPATને તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
જેમાં સિમ્બોલ લોડીંગ તેમજ ક્રમાંક અનુસાર મતદાન મથકના EVM અને VVPATના સેટ તૈયાર કરીને ફરીથી સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવશે. ત્યાર બાદ 4 ડિસેમ્બરે શહેરા વિધાનસસભા બેઠકના 293 મતદાન મથકો ઉપર મોકલવામાં આવશે. શહેરા વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ 293 મતદાન મથકો માટે 377 ઇ.વી.એમ. મશીન તેમજ 412 વિવિપેટની ફાળવણી કરાઈ છે. જેમાં ઇમર્જન્સીના સમયે ઉપયોગમાં આવી શકે તે માટે વધારાના 84 ઇ.વી.એમ. તેમજ 119 વિવિપેટની પણ ફાળવણી કરાઈ છે.