વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખ પ્રવાસ દરમિયાન લેહમાં જવાનોને સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં એકબાજુ ભારતીય જવાનોનો ઉત્સાહ વધાર્યો તો બીજીબાજુ ચીન પર આડકતરી રીતે પ્રહાર કર્યો હતો. લદ્દાખમાં ગલવાન ઘાટી તેમજ ચીન બોર્ડર પર ચાલી રહેલા તણાવની વચ્ચે પીએમ મોદીએ આજે અચાનક લેહની મુલાકાત લીધી હતી.
અહીં તેઓએ જવાનો સાથે મુલાકાત કરી સંબોધન કર્યુ હતું. તેઓએ કહ્યું કે તમારી ઇચ્છાશક્તિ આસપાસના પર્વતો જેટલી અટલ છે. વિસ્તારવાદનું યુદ્ધ હવે સમાપ્ત થયું છે અને વિકાસવાદનું યુદ્ધ ચાલુ થયું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે દેશની સંરક્ષણ તમારા હાથમાં હોય, તમારા દ્રઢ હેતુઓ હોય, તો માત્ર મને જ નહીં પરંતુ આખા દેશની અવિરત શ્રદ્ધા છે અને દેશ નિશ્ચિંત છે. તમારા હાથ તમારી આસપાસના ખડકો જેટલા મજબૂત છે. તમારી ઇચ્છા શક્તિ આસપાસના પર્વતોની જેમ અવિશ્વસનીય છે.
વડાપ્રધાને જવાનોનો ઉત્સાહ વધારતા જણાવ્યું કે, દુશ્મનોએ જવાનોનો જોશ અને ગુસ્સો જોઈ લીધો છે. દેશને તમારા પર વિશ્વાસ છે તમે માતા ભારતીના ઢાલ તરીકે તેની સુરક્ષા કરો અને તેની સેવા કરો. મહત્વનું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સૈનિકોની વચ્ચે પહોંચ્યા, ત્યાં હાજર સૈનિકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા..