દિલ્હી સહિતના આસપાસનો વિસ્તાર ફરી એકવાર ભૂકંપથી થર થર ધ્રુજતા ફફડાટ ફેલાયો છે. ગુરુવારે મધરાતે આશરે 11:46 કલાકની આસપાસ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાનના અલવરની આજુબાજુ જમીનથી લગભગ પાંચ કિમી નીચે હતું.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 આંકવામાં આવી છે. ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર હજુ સુધી મળ્યા નથી. ભૂકંપના આંચકા ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને નોઈડામાં પણ અનુભવાયાની માહિતી સ્કાયમેટ વેધરે આપી હતી.
ભૂકંપના આંચકા અનુભવાતાં થોડી સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહેતાં લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ અંગે ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ ટ્વીટ કર્યુ હતુ અને ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની વાત કરી હતી. પ્રાથમિક સૂચના મુજબ હાલ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. આ અગાઉ 2 ડિસેમ્બરે પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 2.7 રહી હતી. ગાઝિયાબાદ જિલ્લામાં ભૂકંપની કેન્દ્રબિંદુ રહ્યું હતું. લોકડાઉન પછી અત્યારસુધીમાં દિલ્હી-એનસીઆરમાં 15થી વધુ વખત ધરતી ધ્રૂજી છે.