મુન્દ્રા પંચાયતના બારોઇ વિસ્તારના અરિહંત પાર્કમાં વરસાદના પાણી ભરાયા છે. તેને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે અને લોકો ત્રસ્ત થયા છે. અરિહંત પાર્ક બારોઇ મુન્દ્રાના ગ્રામજનોએ તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા પણ અનેકવાર સત્તાવાળાઓ પાસે રજુઆત કરવામાં આવી છે. છતાંય પાણી નિકાલ માટે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવતા લોકોએ આખરે રાજકીય પાર્ટીનું શરણ લીધું હતું અને રજૂઆત કરી હતી. બારોઇના ગ્રામજનોએ આમ આદમી પાર્ટી ક્ચ્છ જિલ્લાને રજુઆત કરી હતી. જેથી પાર્ટીના નેતાઓએ તે વિસ્તારના રહીશોની મુલાકાત લીધી હતી. ત્યારે ગ્રામજનોમાં ગ્રામપંચાયતના પ્રતિનિધિઓ વિરુદ્ધ અરિહંત પાર્કના લોકોમાં ખૂબ આક્રોસ જોવા મળ્યો હતો. તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલ જવામાં પણ ખૂબ તકલીફો આવે છે. છતાંય ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓને દરકાર હોય તેવું લાગતું નથી. અગર આ વિસ્તારના પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી, જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરશે.