ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને પગલે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઉત્તર કોંકણ અને થાણે જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોડી રાતથી મુંબઈમાં અનેક વિસ્તારમાં અનરાધાર વરસાદથી મુંબઈમાં ઠેરઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદના કારણે મુંબઈમાં હિન્દમાતા, દાદર ટીટી, કિંગસર્કલ, સાયન, ચેમ્બુર, અંધેરી, સાંતાક્રૂઝ, અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાહનવ્યવહારને પણ અસર થઈ છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ 4 અને 5 ઓગસ્ટના રોજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઇને મુંબઇ મહાનગરપાલિકાની સાથે ફાયર બ્રિગેડ અને NDRFને સતર્ક રહેવા અંગે જણાવામાં આવ્યું છે.
હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની સાથે હાઈટાઈડની પણ ચેતવણી આપી છે. આ દરમિયાન દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. આથી દરિયા કિનારાની આસપાસ રહેતા લોકોને ઘરોમાંથી બહાર ના નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ BMCએ મુંબઈના અન્ય વિસ્તારોમાં કોરોને કામ સિવાય ઘરેથી ના નીકળવાની અપીલ કરી છે.
તો બીજીબાજુ ભારે વરસાદના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી.જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકશાનના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ ભૂસ્ખલનના કારણે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.